રવિવારે મોડી સાંજે અમદાવાદ,વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સોમવારે PM મોદીનો રોડ શો યોજાવાનો હોય એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રસ્તાની બંને તરફ બેનર અને સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જેને ભારે પવનના કારણે નુકસાન થયું હતું. અમદાવાદ આવી રહેલી ત્રણ ડોમેસ્ટિક ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.મોડી રાત્રે વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા કાચા મકાનના છાપરા ઉડ્યા હતા અને અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે આજે (26 મે)એ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ શહેરમાં રવિવાર રાત્રિના 9 વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહનોના પૈડા થંભી ગયા હતા. સોમવારે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજવાનો હોય તેની તમામ તૈયારીઓને રવિવારે જ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ભારે પવનના કારણે રસ્તાની બંને તરફ લગાવાયેલા ઓપરેશન સિંદૂરના કટઆઉટ અને બેનર ફાટી ગયા હતા. વિવિધ જગ્યાએ લગાવાયેલા મંડપને પણ નુકસાન થયું હતું.
વડોરામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વડોદરા શહેરમાં રાત્રિના ભયાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન અને વરસાદના કરાણે મોટા ભાગના વિસ્તારમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા સહિત જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જણાવ્યું કોઇ ઘરની બહાર ન નીકળે. તંત્ર એલર્ટ છે. બે કલાકમાં વાવાઝોડું અને વરસાદ બંધ થઇ જશે. 26 નો વડાપ્રધાનનો સ્વાગત કાર્યક્રમ યથાવત રહેશે. તેમ વધુમાં જણાવ્યું હતું. શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીનો સંપર્ક થઈ શક્યો ન હતો. ભારે પવનના કારણે જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.