Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આરબીઆઈની હાલ ચાલી રહેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધતાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવના વધતા ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો.


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર 50% ટેરિફ લગાવતાં બન્ને દેશો વચ્ચે તણાવ છતાં ભારતીય શેરબજારમાં આજે લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ખરીદીના આકર્ષણે મજબૂતી જોવાઈ હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ 9, જુલાઈની મુદ્દત પૂર્વે થઈ જવાની અપેક્ષાએ અને ચાઈના સાથે અમેરિકાના વણસતા સંબંધોથી ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ફ્રન્ટલાઈન ખરીદી થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો જોવાયો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, વિદેશી રોકાણકારો તરફથી ડોલરની માંગ હોવા છતાં, ક્રૂડ ઓઇલના નબળા ભાવ અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડતેલની નવી માંગ ધીમી પડતા ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.39% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.65% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4129 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1722 અને વધનારની સંખ્યા 2259 રહી હતી, 148 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.