સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જિનોમ સિકવન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિઅન્ટ હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના માઇલ્ડ સિમ્પટમ્સ ધરાવતો ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ એલએફ 7.9 અને એક્સએફજી રિકોમ્બિનન્ટ છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડા, સ્નાયુ ખેંચાવાનાં લક્ષણ જોવા મળે છે. જોકે ગર્ભવતી મહિલાઓને આ વેરિઅન્ટથી સૌથી વધુ જોખમ છે. છેલ્લા પંદરેક દિવસોથી શહેરમાં નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં 7થી વધુ મહિલા ગર્ભવતી હતી, જેમાંથી બેનાં મોત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં સિવિલમાં 24 વર્ષના યુવકને અને એલજી હોસ્પિટલમાં મુંદ્રાના 41 વર્ષના યુવાનને દાખલ કરાયો છે. હાલ સિવિલમાં કોરોનાના ચાર દર્દી 24 વર્ષનો યુવક, 60 વર્ષની મહિલા, 72 વર્ષના પુરુષ, 8 માસની બાળકી દાખલ છે, જેમાંથી યુવક અને મહિલા ઓક્સિજન પર છે. જ્યારે સોલા સિવિલમાં ત્રણ અને એલજીમાં હાલ એક દર્દી દાખલ છે.
કોરોનાના દર્દીમાં SARS-COV-2નો એક પ્રકાર ઓમિક્રોનનો પેટા ટાઇપ વેરિએન્ટ એલએફ.7.9 અને એક્સએફજી રિકોમ્બિનન્ટ હાલ જોવા મળી રહ્યો છે. આ વેરિએન્ટ ત્રીજી લહેરમાં દેખાયો હતો. કેટલાક દર્દીમાં કોરોનાનાં અન્ય લક્ષણો ન હોવા છતાં માત્ર ડાયેરિયા થાય છે છતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. સગર્ભા મહિલાની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધુ છે તેમ જ વિવિધ બીમારીથી પીડાતી મોટી ઉંમરની વ્યક્તિઓને પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. લોકોમાં સામાન્ય ફ્લૂ, સ્વાઇન ફ્લૂ અને કોવિડનાં લક્ષણો હોય છે, પણ ત્રણેયનો તફાવત કરવો મુશ્કેલ છે, જેથી દર્દીની તપાસમાં લક્ષણો, મેડિકલ-ટ્રાવેલ હિસ્ટ્રી, ઘરમાં કોઈને કોરોના છે કે નહિ સહિતની બાબતોને આધારે અંદાજ આવી શકે છે.